ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યાના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ  પોરબંદર ,જામનગર , કચ્છ અને દ્વારકામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  બનાસકાંઠા ,પાટણ , મહેસાણા , સાબરકાંઠા , સુરત , જૂનાગઢ , ગીર સોમનાથ અને દિવ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરવલ્લી , અમદાવાદ , ગાંધીનગર , ખેડા , આણંદ , પંચમહાલ , વડોદરા , ભરૂચ , નવસારી , વલસાડ  અને તાપી , સુરેન્દ્રનગર , રાજકોટ , અમરેલી અને મોરબીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. 


હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.


હવામાન વિભાગના ડૉ મનોરમા મોહંતીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.   


અમદાવાદમાં વરસાદ


હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હાલમાં રાજ્યમાં બેથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 50% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. બીજી તરફ આજે સવારે વિરામ બાદ બપોરના સમયે અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરના શિવરંજની,નહેરુનગર,આંબાવાડી,જોધપુર ચાર રસ્તા,રામદેવનગર,એસજી હાઈવે,આનંદનગર,થલતેજ પ્રહલાદનગર,શ્યામલ ચાર રસ્તા,બોડકદેવ,વસ્ત્રાપુર,સેટેલાઈટ રોડ,ઈસ્કોન ચાર રસ્તા,પકવાન,શીલજ,સોલા,સાયન્સ સિટી,શેલા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 


અમદાવાદ જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીમાં 34.61 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં સિઝનનો સાડા નવ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 44.55 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં સાડા 14 ઈંચ વરસાદ પડ્યો છે. બાવળામાં અત્યાર સુધી સિઝનનો 20.43 ટકા વરસાદ જ્યારે ધંધુકામાં અત્યાર સુધી સિઝનનો 79.10 ટકા વરસાદ પડી ચૂક્યો છે.


બનાસકાંઠામાં છવાયો વરસાદી માહોલ


ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. બોર્ડરના ગામડાઓમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધાનેરાના બાપલા,આલવાડા,ખીમત,વાછોલ,વકતાપુરા,કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી બાદ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે.