પંચમહાલ: વધુ એક અધિકારીએ ખોલી ગુજરાતના આદિવાસી વિસ્તારના શિક્ષણ અને આરોગ્ય વિભાગની પોલ ખોલી છે. આઈ.એ.એસ. ધવલ પટેલ બાદ જી.એ.એસ કેડરના અધિકારી અને પંચમહાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણાએ શિક્ષણ અને આરોગ્ય વિભાગની લાલીયાવાડીની પોલ ખોલી છે.




પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ ખરાબ હોવાની માહિતી સામે આવી છે. ગત 5 જુલાઈના રોજ 15માં નાણાંપંચની ગ્રાન્ટના કામો ચેક કરવા નીકળેલા ડેપ્યુટી ડીડીઓ એચ.ટી.મકવાણાએ શાળા અને આરોગ્ય કેન્દ્ર પર અચાનક વિઝીટ કરી હતી. જોજ અને પાધોરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામાન્ય પ્રશ્નોના ઉત્તરો પણ આપી શક્યા ન હતા. તેજ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિ પત્નીમાંથી પત્ની ગેરહાજર જોવા મળ્યા તો સાથે કોઈ ઓનલાઈન હાજરી પણ પુરેલ નહોતી.


પાધોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર સહિતનો સ્ટાફ સમય પહેલાં જ રફુચક્કર થઈ ગયેલો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને પંખો,મોર,દીવાલના અંગ્રેજીમાં સ્પેલિંગ અને નામ પૂછતાં કોઈ જવાબ ન આપી શક્યા હોવાની ડીડીઓએ કરી છે. શિક્ષકો પણ ગણિતના જવાબ આપતા ગૂંચવાયા હતા.


છોટાઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણ પર IAS ડૉ. ધવલ પટેલના પત્રથી ખળભળાટ



ગુજરાતના સનદી અધિકારી ધવલ પટેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની 6 જેટલી શાળાઓની લીધેલી મુલાકાતના આધારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રથી રાજ્ય સરકારમાં હડકંપ મચી ગયો છે.  ધવલ પટેલે જાણે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે. એબીપી અસ્મિતા આ વાયરલ પત્રની પુષ્ટી કરતું નથી


ધવલ પટેલે ત્યાં સુધી લખ્યું હતું કે આદિવાસી વિસ્તારના આ બાળકોને સડેલું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સડેલું શિક્ષણ ગણાવનાર IAS અધિકારી ધવલ પટેલના લેટર અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો એટલે તમામ સ્થળેથી રિપોર્ટ આવ્યા છે. મુખ્યમંત્રીએ સારી વાત સાંભળવાના બદલે સાચી વાત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો.  મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે.  કોવિડકાળ દરમિયાન શિક્ષણ બગડ્યું છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે. સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોઇ શકે.  ધવલભાઇએ તેમણે લીધેલી મુલાકાતના અનુભવની વાત કરી છે.


છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણના સત્યાનાશ પર IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો હતો. શાળાના અનુભવો અંગે શિક્ષણ સચિવને તેમણે પત્ર લખ્યો હતો. વાયરલ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન પણ નથી. અલગ અલગ છ શાળાનો ચકાસણી કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.


IASના વાયરલ પત્ર પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવાનો સરકારનો પ્રયાસ છે. જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં સુધારો કરાશે. શાળાઓ રહેલી ક્ષતિઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. ધવલભાઇએ તેમણે લીધેલી મુલાકાત વિસ્તારની વાત કરી છે. IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્ર મામલે શિક્ષણ મંત્રી કુબેર ભાઇ ડિંડોરે નિવેદન આપ્યું હતું કે મને પણ મીડિયાનાં માધ્યમથી જાણ થઈ છે. હું પણ એ જ વિસ્તારમાથી આવું છું. શિક્ષણ સુધારા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ માટે સારુ શું કરી શકાય તે માટેના પ્રયત્નો રહેશે. તેઓ ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial