ગાંધીનગર: ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં મન મૂકીને મેઘરાજા વરસશે. 18 તારીખથી વરસાદનું જોર વધશે. આજે અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 18 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં મૂશળધાર વરસાદ વરસશે.
આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થશે. નર્મદા અને તાપી સહિતની નદીઓમાં પૂર આવશે. આ વર્ષે પણ સરદાર સરોવર ડેમ છલકાશે. અંબાલાલ પટેલના મતે 17 થી 20 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનામાંગુજરાત પાણી-પાણી થશે.
જૂનાગઢ જિલ્લામાં સાડા પાંચ ઈંચ વરસાદ
જૂનાગઢ વિસ્તારમાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ કેશોદ તાલુકામાં ચાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ચાડા પાંચ ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારમે ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા છે. નોંધનીય છે કે, મૌસમનો કુલ સાડા એકવીસ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ ઉપરાંત જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોના પાળા તૂટવાના સમાચાર મળી રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ વરસાદી પાણી ધુસ્યા છે. ખેતરનું ધોવાણ થઇ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રોડ સ્તાઓ પર ગોઠણ ડુબ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જાણે શેરીઓમાં નદીઓ બની ગામમાંથી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીનો તેજ પ્રવાહ સરસાલી ગામની શેરીયોમાથી વહી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખળીને નુકશાની પહોંચી છે.