ગાંધીનગર : બિપરજોય  વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં  વરસાદની સંભાવના છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ બે દિવસ બાદ વરસાદની શક્યતા છે. 


કચ્છમાં ભારે વરસાદની આગાહી


બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્યમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં આજથી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની  આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં ગુરૂવાર અને શુક્રવારના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


બિપરજોય વાવાઝોડાને લઈ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 


આ સિવાય હવામાન વિભાગે  આવતી કાલે (મંગળવારે) જામનગર,દ્વારકા, પોરબંદર , જૂનાગઢમાં  ભારે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 


ગુજરાત પર વાવાઝોડા બિપરજોયનો ખતરો વધ્યો છે. 15 જૂને વાવાઝોડું જખૌ પોર્ટ પરથી પસાર થાય તેવું ભારતીય હવામાનનું અનુમાન છે. 15 જૂને બપોર સુધીમાં પસાર થઇ શકે છે. 14 અને 15મી જૂને બિપરજોય વાવાઝોડુ માંડવી-કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં  ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 


દરિયો તોફાની બન્યો


અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોયે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.  ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  અગાઉ યલો એલર્ટ જાહેર કરાયું હતુ. વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 


સર્પાકાર આકારમાં અત્યંત પ્રચંડ ચક્રવાતી તોફાન બિપરજોય આગળ વધી રહ્યું છે.  6 જૂનથી અત્યાર સુધીમાં 11 વખત વાવાઝોડાએ  દિશા બદલી છે. ગુજરાત પર વાવાઝોડાના સૌથી વધુ જોખમ છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ,કચ્છ સહિતના વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 


કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી


દરિયા કાંઠાના રાજ્ય માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી કરી છે.  દરિયાકાંઠે તમામ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે.  નિચાણવાળા વિસ્તાર અને કાંઠા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપી છે.