ગાંધીનગર:  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે વરસાદ વરસશે.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં આગામી 3 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  


જ્યારે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરુચ, નર્મદા અને સુરતમાં પણ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 


જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, નવસારી, ડાંગ, તાપી અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.     


ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પાણીમાં


હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રિથી ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.  મોડી રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયાં છે. રેલવે ટ્રેક પર અંદાજે એક ફુટ સુધી પાણી ભરાયેલા છે.   રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા સિગ્નલ  લોકીંગ સિસ્ટમ પર અસર પડી છે.  મુંબઈ -દિલ્હી વચ્ચે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે.  મુસાફર ટ્રેનો પસાર કરવા માટેના રેલવે વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  


ક્યાં જિલ્લામાં રેડ એલર્ટ


આગામી 24 કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું  સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી. 


આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ


રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.