હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બે દિવસ વલસાડ, નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના અન્ય ભાગમાં હાલ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે.


દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. મુંબઈના દરિયામાં સાંજે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. તો સાથે જ ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. જેના પગલે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. 


ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. કારણ કે, આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની રહેશે. હવાની ગતિ 60 કિમી સુધી પહોંચશે. સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે. તેમજ દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળશે. 


ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ભાવનગરમાં પ્રથમ વરસાદ થયો હતો. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અમુક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં લોકો ખુશ ખુશાલ જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. 


નૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે. ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવતી. પરંતુ તેનાથી સાત દિવસ અગાઉ જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન વલસાડમાંથી પસાર થયું છે. સાથે જ નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. 30 જૂન સુધી રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ જશે.


દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દાદરાનગર હવેલી વિસ્તારમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.