ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ધોધમાર વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે રવિવારે સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરુચ, ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે એવી આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી.
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ ખાબક્યો હતો. તો ડાંગમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુર, નર્મદાના નાંદોદમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો. તો સુરત શહેર અને દાહોદમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
વલસાડના ઉમરગામ, નર્મદાના તિલકવાડા, જૂનાગઢના માળિયા અને સુરતના માંગરોળમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માણાવદર અને નવસારીના ખેરગામમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.