અમદાવાદઃ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદના હવામાન વિભાગે સંકેત આપ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જો કે આ સપ્તાહમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે સોમવારથી ફરી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. મંગળવારે પણ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ વખતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે અને અન્ય જિલ્લાઓમાં 100 ટકાને નજીક વરસાદ પહોંચી ગયો છે.
જામનગરમાં બનેવીએ કરી સાળાની હત્યા
CRIME NEWS: જામનગરમાં કાલાવડના માછરડા ગામે હત્યાની ઘટના સામે આવી છે. પતિ પત્નીના ઝઘડામાં યુવતીના ભાઈનો ભોગ લેવાઈ ગયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો રિસામણે બેસેલી પત્નીના ઘરે જઈને પતિએ હુમલો કર્યો હતો. આરોપીએ રિસામણે બેઠેલ પત્ની, સાળા અને સસરા પર હુમલો કર્યો હતો. જેમાં આરોપીના સાળાનું મોત નિપજ્યું છે, આ ઉપરાંત ઇજાગ્રસ્ત થયેલા સસરાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.
આમ બનેવીના હાથે સાળાની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આરોપીનું નામ નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો ઝાલા છે. હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને હત્યા અને હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના પિતાનું તાજેતરમાં જ અવસાન થતા સાસરા પક્ષના સભ્યો ખરખરો કરવા ન જતા આરોપી ગુસ્સે ભરાયો હતો. જે બાદ આવેશમાં આવીને તે સસરાના ઘરે ગયો અને હુમલો કરી દીધો.
વડોદરામાં પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ
વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જધન્ય અપરાધ કરતા ચકચાર મચી છે. આ અંગે વિગતે વાત કરીએ તો 43 વર્ષના સાવકા પિતા 3 વર્ષ સુધી 12માં ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષની પુત્રી પર દુષ્કર્મ કરતો રહ્યો. જેના કારણે સગીર પુત્રી ડિપ્રેસનમાં રહેતી હોવાથી આખરે માતાએ મક્કરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પત્નીની ફરિયાદ બાદ પતિ અનિલની પોલીસે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, સપ્ટેમ્બર 2019થી આરોપી પિતા તેની પુત્રી દુષ્કર્મ કરતો હતો. સાવકા પિતા અનિલ વિરુદ્ધ કલમ 376 (2), 323 અને જાતીય રક્ષણ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ 2012ની હેઠળ ગુનો નોંધાયો છે. ઘટનાને પગલે આરોપી પિતા પર લોકો ફિટકાર વર્સાવી રહ્યા છે.