અમદાવાદ: ગુજરાતમાં વરસાદને લઈ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગીરીથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ રાજ્યમાં 35-50 કિમી પ્રતિકલાકની રહેશે. કેરળમાં આજે ચોમાસાનું આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂન આસપાસ હોય છે.
વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં
ગુજરાત પર સંભવિત વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે. દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જૂનાગઢના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે માંગરોળ મત્સ્યઉદ્યોગ નિયામક કચેરીએ નિર્ણય કર્યો છે. 25 મે સુધી માછીમારી માટે દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
વાવાઝોડાને લઇને સરકાર સતર્ક
સંભવિત વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી પ્રશાસને સતર્ક અને સજાગ રહેવા કહ્યું છે. સાથે જ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપી અને તકેદારીના ભાગરૂપે જરૂરી પગલા લેવા અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી તાકીદ કરી છે. કન્ટ્રોલ રૂમથી તમામ જિલ્લા પર નજર રાખવામાં આવશે.