રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રાજ્યના અનેક તાલુકામાં ગઈકાલે સાર્વત્રિક 1થી 7 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના મતે આજે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, દીવ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, ડાંગ, કચ્છ વરસાદ પડી શકે છે.
આવતીકાલે વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં અત્યાર સુધી 6.13 ઈંચ સાથે સીઝનનો 18.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે 13 જુલાઇ સુધી 10.37 ઈંચ સાથે સીઝનનો 31.70 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.
ગીર-સોમનાથમાં વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેર થયું જળમગ્ન. ગઈકાલે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. યાત્રાધામ સોમનાથમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ સોમનાથના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. સોમનાથ મંદિરની નજીક આવેલા શોપિંગ સેંટરમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ પરેશાન થયા હતા. ગીર સોમનાથમાં સારો વરસાદ વરસતા નદીઓમાં આવ્યા પૂર તો ચેકડેમ છલકાયા છે.
અમરેલીમાં વરસાદ
અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. લાઠી, બાબરા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ નોંધાયો છે. બાબરા શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ બજારોમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બાબરાની સાથે લુણકી, ઈંગોરાળા, ભીલડી સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. તો આ તરફ લાઠીના અકાળા ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. તો ગામમાં પણ પાણી ભરાયા છે.
સાથે જ સાવરકુંડલાના ચરખડિયા ગામમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ખારી નદીમાં પુર આવ્યું છે. નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. ચરખડિયા ગામના મેદાનમાં પણ પાણી ભરાયા છે. તો લાઠીના લુવારીયા અને ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે મગફળી, કપાસ, અડદ, તલ સહિતના પાકને ફાયદો થશે.