Heavy rain in Gujarat: ગુજરાત રાજ્ય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મહત્વપૂર્ણ વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. આ કારણે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પરિસ્થિતિનું મુખ્ય કારણ મધ્ય રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સિસ્ટમની અસર હેઠળ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે.
વર્તમાન ચોમાસા સિઝનમાં ગુજરામાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ વરસાદ પડ્યો છે. 1 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય 635 મિમી વરસાદની સામે 952 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં લગભગ 50% વધારે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તો આ આંકડો 82% સુધી પહોંચ્યો છે, જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 28% વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લામાં નોંધાયો, જ્યાં 89 મિમી વરસાદ પડ્યો. અમદાવાદ શહેરમાં પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, અને બપોર બાદ કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે તેજ પવન ફૂંકાયો.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આ એલર્ટને ધ્યાનમાં રાખીને, સંબંધિત જિલ્લાઓના રહેવાસીઓને સાવચેત રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું જોરમાં છે. હવામાન વિભાગે ફરી એકવાર અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.ચોમાસું રાજસ્થાન પર મહેરબાન થઈ શકે છે. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાને ઉત્તરાખંડ જેવા રાજ્યો માટે પણ આવી જ આગાહી કરી છે. ગુજરાત જેવા રાજ્યો પહેલાથી જ વરસાદથી પરેશાન છે, હવામાન વિભાગની તાજેતરની ચેતવણીએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ છૂટોછવાયો અને ભારે વરસાદ પડી શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર આજે પૂર્વ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે આજે ઉત્તરાખંડ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ પૂર્વી રાજસ્થાનમાં 8 સપ્ટેમ્બરે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 9-10 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચોઃ
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત