અમદાવાદ: ગુજરાતમાં આગામી 24 કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં વરસાદનું એલર્ટ છે. આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગાહી અનુસાર,  સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ,છોટાઉદેપુર,નર્મદા, તાપી,  ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

જ્યારે  સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ સાથે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે.  આગામી 26-29 મે સુધી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગે જણાવ્યું કે, આવતીકાલથી પવનનું જોર વધશે.  આ સમયગાળા દરમિયાન 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.   

26થી 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે.  હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી

હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 28મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ સંભવિત શક્તિ વાવાઝોડાની અસરને લઈને  આજથી 28મી મે સુધી રોજ સાંજે આંધી, વંટોળ અને વરસાદ આવશે. આજથી 28મી સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર -કચ્છમાં અસર જોવા મળશે. 28થી 31મી મે સુધી ગુજરાતના દરીયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડશે.  સંભવિત વાવાઝોડુ નબળું પડી ગયું છે. બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બની રહી છે.અરબ સાગર અને બંગાળના ઉપસાગરની 2 સિસ્ટમના કારણે ભારે પવન ફૂંકાશે. ગુજરાતના દરિયા કાંઠે 50 કી.મી.પ્રતિકલાક કરતા વધુની ઝડપે પવન ફૂંકાશે.

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 થી 31 મે દરમિયાન આસામ, મેઘાલય, મણિપુર અને આસપાસના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. 28 થી 31 મે દરમિયાન, આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, ગુજરાત અને મરાઠવાડામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 30 મે સુધી કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 4 દિવસ દરમિયાન વરસાદના ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.