અમદાવાદ:  હવામાન વિભાગની આગાહી અનુસાર  રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે 29 મે 2025 ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આજે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગે 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતા  વધારે વરસાદની શક્યતા છે. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 

34 તાલુકામાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 34 તાલુકમાં વરસાદ વરસ્યો છે.  ચાર કલાકમાં ડાંગમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઝઘડિયા, ભરૂચમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.  સુબીર, વાલિયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે સોનગઢ, કરજણ, હાંસોટ, સતલાસણા, અંકલેશ્વર, ઠાસરા, શિનોરમાં પણ છુટોછવાયો વરસાદ ખાબક્યો છે. વ્યારા, મહુવા, ચીખલી, હાલોલમાં છુટોછવાયો વરસાદ ખાબક્યો

અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો

ચોમાસા પહેલાના વરસાદે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં વરસાદ રોકાયાના આઠ કલાક બાદ પણ કેટલાક વિસ્તારમાં જળભરાવ થયો હતો. નિકોલનો ગોપાલ ચોક એક મહિના બાદ ફરી પાણીમાં ગરકાવ થયો હતો. ગોપાલ ચોકમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અજીત મિલ વિસ્તારમાં ચાર રસ્તા પર પાણી ભરાયા હતા. બાપુનગરના રાજીવનગર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. રાત્રે 3 વાગ્યે વરસાદ બંધ થયો છતા બપોરે 12 સુધી પાણી ઉતર્યા નહોતા. 

IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.