અમરેલી: અમરેલી શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં  મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે.  સાવરકુંડલાના ઘોબા,  પીપરડી,  ફિફાદ,  ભમોદ્રા સહીતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.  ઘોબા ગામ નજીક ફલકુ નદી અને મેરામણ નદીમાં ભારે વરસાદને લઈ પુર આવ્યું છે.  ભારે વરસાદના કારણે ઘોબા ગામની શેરીઓ પાણી પાણી થઈ છે.  ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂર આવ્યા છે.  સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  

રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ 

રાજુલા તાલુકાના ડુંગર સહીત આસપાસ ગામડામાં ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ડુંગર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર જોવા મળ્યું હતું. મોટાભાગના ગામડામાં અનરાધાર વરસાદ વરસ્યો છે.  

ધારીમાં વરસાદ

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  ધારીના ઝર, મોરજર, ખીચા, વીરપુર, દૂધાળા, પાતળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  ધીમીધારે વરસાદથી જગતના તાતમાં ખુશીનો માહોલ છે. 

અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદ આફત રૂપ બન્યો છે. અહીં થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા પિતા-પુત્ર તણાયા હતા. જાબાળ ગામ પાસે બળદ ગાડું લઈને આવતા પિતા-પુત્ર તણાયા હતા. જેમાં પિતાનું મોત થયું છે.જ્યારે  ફાયરની ટીમે પુત્રને બચાવી લીધો હતો.

રાજુલા, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અહીં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.ધારી તાલુકાના સરસીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  

16 જૂનની આગાહી -  

સોમવારે, 16 જૂનના રોજ પણ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

આગામી 5 દિવસમાં વરસાદની ભારે આગાહી

ગુજરાતમાં આખરે ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે. તોફાની બેટિંગ સાથે ચોમાસાની શરૂઆત થઇ છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત,અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદને લઇને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ચોમાસાએ એટ્રી સાથે જ વરસાદે  જમાવટ કરી છે.