બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ડીસા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મોડી રાત્રેથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતીવાડા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ધોધમાર વરસાદને પગલે દાંતીવાડમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું જેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડીસા શહેરના વણઝારાવાસ વિસ્તારમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. નીચાણ વાળા વિસ્તારના લોકો રાત્રેથી જ પોતાના ઘરમાંથી વરસાદી પાણી કાઢવા મજબૂર બન્યા છે. નગરપાલિકાના પાપે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે.
આજે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી
આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વડગામ, પાલનપુર, દાંતીવાડા, દિયોદર, થરાદ, વાવ, અને સૂઈગામમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન છે. સાથે જ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ બે દિવસ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના પાટનગર અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં 14 જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઇથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.
દક્ષિણ ગુજરાતમાં 14થી 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.