અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.  આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  


રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ


દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે હવામાન વિભાગે રેડ અલર્ટની આગાહી કરી છે.  સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને રાજકોટમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે વરસાદની આગાહીના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   


કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.   


અમદાવાદમાં ભારે વરસાદની આગાહી


અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આણંદ,વડોદરા,પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 


પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ


પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 30 કલાકમાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે.  પોરબંદર જિલ્લાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ફાયરવિભાગ દ્વારા પણ અનેક લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 


દ્વારકાના કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો 


દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના બેથી ચાર વાગ્યા દરમિયાન છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કલ્યાણપુર તાલુકામાં  10  ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ  કલ્યાણપુર, હરીપર, ભાટિયા, ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થયા છે.  ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઉભી થઈ છે.