બોટાદ: બોટાદ શહેર અને જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. સવારથી જ બોટાદ શહેરમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું. બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. બોટાદ શહેરના ખોડિયારનગર, ટાવર રોડ, પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને લઈ બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. શહેરની આસપાસના સેથલી, સમઢીયાળા , ખસ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. ગઢડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઢડા તાલુકાના ઢસા, રસનાળ, પીપરડી, માલપરા, ભંડારિયા સહિતના ગામોમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સપ્તાહના વિરામ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વરસશે. આવતીકાલે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
25 ઓગસ્ટના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જ્યારે 26 ઓગસ્ટે ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલ ગુજરાતમાં ગરમી પણ પડી રહી છે. હવામાન વિભાગના મતે, પવનની દિશા બદલાતા ગરમી વધી છે.
આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગરમીમાં વધારો થવાનું કારણ પવનની દિશા છે. હાલ જે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પશ્ચિમી પવનો છે જેના કારણે ગરમી વધી છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ
આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આવતીકાલે પણ અહીં ભારે વરસાદની આગાહી કરાઈ છે.