છોટા ઉદેપુર : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે.
પાવી જેતપુરના સજવા ગામે ભારે વરસાદ
છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બોડેલીના જબૂગામ, વાટા, કુકણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. પાવી જેતપુરના સજવા ગામે ભારે વરસાદને લઈ પાણી ભરાયા હતા. પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. છોટાઉદેપુરમાં જિલ્લા સેવા સદન જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી કવાંટ છોટાઉદેપુરના 65 કિલોમીટરના માર્ગમાં મોટા મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગ અંતર્ગત આવે છે. સરકારે રસ્તાના તમામ ખાડા પુરવા માટે આદેશ કરવા છતાંય છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ ખાડા પૂરતા નથી. આ કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. 200થી વધુ ગામોને જોડતો અને મધ્યપ્રદેશ રાજ્યને જોડતો મુખ્ય માર્ગ છે. આ કારણે ભારે ટ્રાફીકજામ પણ સર્જાય છે.
રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ની યાદી મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 20 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ એલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.