જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. શહેર આખુ બેટમાં ફેરવાયું છે. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ગીરનાર પર્વત ઉપર  8 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. 



જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. જૂનાગઢના એસપીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.શહેરના અનેક માર્ગોમાં  લોકો વાહનો સાથે ફસાયા છે. લોકો તળેટી તરફ ન જવા અપીલ કરી છે.ધેોધમાર વરસાદ ખાબકતા  તળેટી પાણી-પાણી થઈ છે.જૂનાગઢના ભૂતનાથ મંદિર નજીકના અનેક મકાનોમાં  પાણી ઘુસી ગયા છે.



શહેરના કાળવા  જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  ઝાંઝરડા રોડ, દોલતપરા, સાબરપુર, ટિંબાવાડી, મધુરમની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. 


દોલતપરા, ગાંધીધામ, સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જનજીવન અને વાહન વ્યાવહાર પ્રભાવિત થયો છે.વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરમાં ભયંકર પૂર આવ્યું છે.  



જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી


જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે.