જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણી વહી રહ્યા છે. પર્વત પર પાણી વહેતા હોવાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે. જૂનાગઢના મજેવડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા છે. ભવનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માંગનાથ રોડ પર પાણી ભરાયા છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
જૂનાગઢના માંગનાથ રોડ પર વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી દુકાન અને કોમ્પ્લેક્સના ભાગમાં ફરી વળ્યા છે. ગટરના પાઇપ લાઈન કામ શરુ હોય સમસ્યા સર્જાઈ છે. વેપારીઓને હાલાકી પડી રહી છે. માંગનાથ રોડ જૂનાગઢની મહત્વની બજાર મનાઈ છે. જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહીં ખરીદી માટે આવતા હોય છે.
ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
રાજકોટના ધોરાજીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીના જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, મેઈન બજાર, શાકમાર્કેટ રોડ સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ધોરાજીના નાનીપરબડી, મોટી પરબડી, તોરણીયા, ગુંદાળા, ફરેણી, જમનાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ગુજરાતમાં નવરાત્રિ પર વરસાદની આગાહી
બદલાયેલા વાતાવરણના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે. આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થયા છે. ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદના કારણે લેવલીંગ નથી થયું. નવરાત્રિ દરમિયાન વરસાદના અનુમાનથી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે. નવરાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.
નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા
રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. જોકે હાલ નવરાત્રિ સમયે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.
Gujarat Rain: નવરાત્રિ પર વરસાદની આગાહી, ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં