અમદાવાદ: બદલાયેલા વાતાવરણના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે. આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થયા છે. ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદના કારણે લેવલીંગ નથી થયું. નવરાત્રિ દરમિયાન વરસાદના અનુમાનથી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે. નવરાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.
નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા
રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. જોકે હાલ નવરાત્રિ સમયે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી
હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે છોટા ઉદેપુર, વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા દિવસ વરસાદની તીવ્રતા ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
હવામાન વિભાગે કહ્યું કે, હાલ બે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદી માહોલ છે. સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફને લઈને વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રિ સમયે સૌરાષ્ટ્ર સિવાય છુટા છવાયા વિસ્તારમાં વરસાદ રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે. તેમણે આગાહી કરી હતી કે નવરાત્રિમાં પવનની ગતિ વધુ રહેશે. ત્રણ ઓક્ટોબરના રોજ દરિયામાં એક સિસ્ટમ બનશે. નવરાત્રિમાં કેટલાક દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત છે. શરદ પૂનમના દિવસે ભારે પવન ફૂંકાઇ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નવરાત્રિમાં પવનની તિવ્રતા વધુ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તે સિવાય અંબાલાલ પટેલે 10 થી 14 ઓક્ટોબર વચ્ચે ભારે વાવાઝોડું સર્જાવાની શક્યતા છે.
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ભરૂચ, સાપુતારામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસશે. લીંબડી, ચોટીલા,થાનમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, સમી, હારીજમાં પણ વરસાદ વરસી શકે છે.