જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બિ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મેંદરડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એક કલાકમાં એક ઈંચ પડેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર , મેંદરડા, કેશોદ સહીતના તાલુકાઓમા વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢના માળીયા હાટીનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટી થઈ છે. માળીયા સહીતના ગ્રામ્ય વિસ્તારમા 2.3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે.


જૂનાગઢના કેશોદમાં અડધી કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર એક ઈંચ વરસાદથી કેશોદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેશોદના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં પૂર આવ્યું છે.ઓઝત નદીમાં આવેલા પૂરના કારણે પોરબંદરના કડછ, ઉડડા સહિતના ગામોના સીમ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે. ઘેડ પંથકમાં આ વર્ષે સતત બીજી વખત ઓઝત નદીમાં પૂર આવ્યું છે. ઘેડ પંથકના ગામોમાં ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ છે.