દેવભૂમિ દ્વારકા: દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના બેથી ચાર વાગ્યા દરમિયાન છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 10 ઈંચ વરસાદના પગલે કલ્યાણપુર, હરીપર, ભાટિયા, ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થયા છે. ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઉભી થઈ છે.
દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરનો વાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. વાડી અને ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જામખંભાળિયા પંથકમાં પણ વરસેલા મુશળધાર વરસાદથી મોવાણ ગામની કુંતી નદીમાં ઘોડાપૂર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. કુંતી નદીમાં પૂરના કારણે દ્વારકા- લીંબડી સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.
આ તરફ કલ્યાણપુર તાલુકામાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. હજુ પણ ગઈકાલે વરસેલા વરસાદના પાણી ઓસર્યા નથી. ત્યાં ફરીથી વરસાદી માહોલ જામતા લોકોના જીવ પડીકે બંધાયા છે. આ તરફ ભારે વરસાદના પગલે સત્તાપર ગામનો સિંધણી ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચ્યો છે. આ ઉપરાંત દેવળીયા, સત્તાપર, લાંબા, ચાચલાણા સહિતના ગ્રામ્ય પંથકમાં સિંચાઈ માટે ડેમ ઓવરફ્લો થયા છે.
કલ્યાણપુર પંથકમાં વરસાદના પગલે ભાટિયા-ભોગાત સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. હાલ તો લોકો જોખમી રીતે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. કલ્યાણપુર બાદ ખંભાળિયા પંથકમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે રામનાથ સોસાયટી, નગર ગેટ, સોની બજાર વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા.
ભાટિયા ગામ નજીક રોડ- રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. એક સ્કૂલની બસ પણ રસ્તા પર ફસાઈ ગઈ હતી. તો અનેક ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા હતાં. વરસાદના વિરામ બાદ પાણી ઉતરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.
પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક ખેતમજૂરો ફસાયા હતા. ખેત મજૂરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ.