Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે આજે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે. કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનો લેટ થઈ છે. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેની વિગતો નીચે મુજબ છેઃ


રીશેડ્યુલ કરેલ ટ્રેનો


1. ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન 19.07.2024ના રોજ તેના નિર્ધારિત સમય  સવારે 9.10 વાગ્યાના બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે ઉપડશે.


2. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.


શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો


1. ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.


2. ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.


3. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.


સંપૂર્ણપણે રદ ટ્રેનો


1. ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
2. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
3. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનો 19.07.2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.


રેલવે પ્રશાસન મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


પોરબંદરમાં આભ ફાટ્યું


પોરબંદરના છાયા ચોકી, સુદામા ચોક સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. તો બીડી તરફ ખાપટની રવિ પાર્ક સોસાયટીમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે.


 



આ અંગે પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગઈકાલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. પાણી નિકાલના પ્રયાસો કરી રહ્યા છીએ. વરસાદ બંધ રહેશે તો પાણી ઉતરી જશે. વહિવટ પ્રશાસન કામે લાગ્યુ છે. લોકોને ધીરજ રાખવાની અપીલ કરવામાં આવે છે. 


મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ



મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.  જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક ખેતમજૂરો ફસાયા હતા. ખેત મજૂરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ. ફાયર વિભાગે બોટના માધ્યમથી પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને રાતના અંધારામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું મકાનની છત પર આશ્રય લઈ રહેલા એક જ પરિવારના છ સભ્યોનું રેસ્ક્યુ કર્યુ હતું. એટલું જ નહીં આખી રાત ફાયર વિભાગના જવાનોએ જીવને જોખમમાં મુકીને વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો