જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.   જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.   ફુલરામા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે.  લોકોના ઘરમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે.  ઘરવખરીને પણ ભારે નુક્સાન પહોંચ્યુ છે.  અવિરત વરસાદથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  વરસાદના કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. સામે કાંઠાના ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા બન્યા છે.  સેખપુર, લંબોરા, વિરપુર, સકરાણા સહિતના ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા છે.  નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ છે.  જેથી સામાકાંઠાના ગામોમાં તંત્ર દ્વારા ટેલીફોનિક સંપર્ક કરાયો છે. 

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો હતો. ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. ભાખરવડ, વડાળા, વીરડી ગામના લોકોને એલર્ટ કરાયા હતા. 

જૂનાગઢના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો

જૂનાગઢના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ-કેશોદના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વંથલી, કેશોદ,પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ નજીકનું ઓસા ગામ બેટમાં ફેરવાયુ હતું. ભાણવડના નવાગામ રોડ પર વેરાડી નદીના પાણી ફરી વળ્યા હતા. 

કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું

જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રીના કારણે કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘર હોય કે મકાન કે પછી દુકાન અને મંદિર બધુ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘેડ પંથકના મૂળિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે.

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે  કુલ 64 રસ્તા બંધ 

ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે વાહનવ્યવહાર ખોરવાયો છે. જૂનાગઢના કેશોદ, વંથલી, માંગરોળ, મંદરડા, માળીયા તાલુકાના કૂલ 64 રસ્તાઓ બંધ છે. 

 કેશોદ તાલુકાના 18 રસ્તાઓ બંધ કરાયા

માણાવદર તાલુકાના 13 રસ્તાઓ બંધ કરાયા 

વંથલી તાલુકાના 11 રસ્તાઓ બંધ કરાયા 

માંગરોળ તાલુકાના 09 રસ્તાઓ બંધ કરાયા

જૂનાગઢ તાલુકાના 05 રસ્તાઓ બંધ કરાયા 

મેંદરડા તાલુકાના 05 રસ્તાઓ બંધ  કરાયા 

માળીયા તાલુકાના 01 રસ્તાઓ બંધ કરાયા