જૂનાગઢઃ જિલ્લામાં અવિરત વરસાતને કારણે માંગરોળના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સતત વરસી રહેલ વરસાદને કારણે ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે. ઘેડ પંથકમાં જ્યાં જોવો ત્યાં સર્વત્ર પાણી જ પાણી છે. ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જતા અનેક રોડ-રસ્તા બંધ થઈ ગયા છે. તો બીજી બાજુ ખૂડેતોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે.


છેલ્લા 3 દિવસ થી પડી રહેલા ધોધમાર વરસાદ ને પગલે તેમજ રાત્રે જૂનાગઢ પંથક ઉપરવાસમાં પડેલા વરસાદ ને પગલે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડ પંથકમાં બેટ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.



માંગરોળનો ઘેડ પંથક સપાટ ભૂમિ ધરાવતો વિસ્તાર છે તેમજ ઉપર વાસમાંથી આવતી ઓજત નદી આ વિસ્તારમાં પથરાય જાય છે ત્યારે એ ઓઝત નદીનું પાણી તેમજ ઘેડ પંથકમાં પડતા વરસાદી પાણીને કારણે ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય તેવી ભીતિ ઉભી થઈ છે.

માંગરોળ પંથકના ઓસા ઘેડથી બલગામ જતો રોડ પાણી આવતા બંધ થઈ ગયો છે જ્યારે ઘેડ પંથકના બલગામ ઓસા સમરડા સાંઢા સરમાં ફુલરમાં સહિતના ગામડાઓ બેટમાં ફેરવાતા  લોકોને અવર જવર કરવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.