પોરબંદર: મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ગોઠણડૂબ તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે. પોરબંદરમાં ધીમીધારે વરસાદ હજુ યથાવત છે. માત્ર રાત્રીના જ પોરબંદર શહેરમાં છ ઈંચ, રાણાવાવમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ગોઠણડૂબ પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા.જીવનજરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું. રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માગ કરી છે. પોરબંદરમાં વરસેલા વરસાદના કારણે હનુમાન રોકડિયા નજીકના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરાયા હતા. ગોઠણડૂબ પાણીના કારણે લોકો ઘરોમાં કેદ થયા છે. વરસાદના પાણી સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા.
રેલ વ્યવહાર ખોરવાયો
રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. પોરબંદરમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે. રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
ઉપલેટા તાલુકાનો વેણુ- 2 ડેમ 90 ટકા સુધી ભરાયો
રાજકોટ તથા ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાનો વેણુ- 2 ડેમ સંપૂર્ણ સપાટી નજીક પહોંચ્યો છે. કુલ 54.16 ફૂટની જળસપાટી ધરાવતા વેણુ- 2 ડેમની જળસપાટી 50.85 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 12 હજાર 607 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમનું રૂલ લેવલ જાળવવા આવક જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ 90 ટકાથી વધુ ભરાઈ જતા પ્રશાસને સલામતીના ભાગરૂપે ગધેથડ, વરજાંગજાળિયા,નાગવદર, મેખા ટિંબડી, નીલાખા સહિતના નીચાણવાળા ગામને એલર્ટ કરાયા છે. પ્રશાસને નદીના પટ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સૂચના આપી છે.