ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી બાદ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ખંભાળિયાના સલાયામાં કરા સાથે મુશળધાર વરસાદ પડતા ખેડૂતોના પાકને
મોટાપાયે નુકસાન થયું છે. ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે. સલાયા બંદરમાં પણ વરસાદી માહોલ થતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ વરસાદ સાથે કરા પડતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસમાં ચાર વખત કમોસમી વરસાદ બાદ ખેતરોમાં ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે. એરંડા,મગફળી,કપાસ તમામ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.


પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાવડા,નખત્રાણા, કોટડા,ઉગેડી, મોરાય, નિરોણા અને ભુજના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.



રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. જસદણમાં વરસેલા વરસાદથી મગફળી પલળી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે.