સોમનાથ: અરબી સમુદ્વમાં ઉદભવેલું ‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયા કિનારે ટકરાશે નહીં પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઈ છે તેમ છતાં પણ ગુજરાત પર હજુય ખતરો ટળ્યો નથી. ગુજરાતનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સરકારે આ બાબતની ગંભીરતા લઈને વધુ 48 કલાક સુધી હાઈ એલર્ટ યથાવત રાખ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાની પરિસ્થિતીનું સ્ટેટ ઈમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનિટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સોમનાથ, પોરબંદર, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદને પગલે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતાં. ભરાયેલા પાણી ધીરે ધીરે ઉતરી રહ્યાં છે. આટલાં પાણીમાં પણ સોમનાથનાં લોકોએ મોટાભાગની દુકાનો રાબેતા પ્રમાણે ચાલુ રાખી છે.

કોડિનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે સુત્રાપાડામાં ભારે વરસાદે વિરામ લીધા બાદ આજે સવારે ફરીથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.