રાજકોટ: છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જોકે વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું તેવું હવામાન વિભાગનું કહેવું છે. જોકે ખતરો હજુ ટળ્યો નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડ્યો હતો.

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં ભારે વરસાદ ખાબકી ગયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળ અને કોડીનારમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉના અને ગીર ગઢડામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતના કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની આગાહી કરી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.