ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં અડધા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતા લોકોના જીવ પડીકે બંધાયા છે. વેરાવળ શહેર અને તાલુકામાં આજે વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો હતો. વેરાવળ શહેરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સૂત્રાપાડામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. બે કલાકમાં અહીં બે ઈંચ વરસાદ વરસી ગયો છે.
મુશળધાર વરસાદના કારણે ખેડૂતો ચિતિંત
વેરાવળ શહેર અને તાલુકાના નાવદ્રા, ઈન્દ્રોય, સોનારીયા સહિતના ગામમાં મુશળધાર વરસાદના કારણે ખેડૂતો ચિતિંત બન્યા છે. આ તરફ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શ્રાવણી પર્વ પહેલા જ સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરી રહ્યા છે.
લીલાશાહનગર સોસાયટીમાં પણ ગોઠણડૂબ પાણી
આ તરફ ફરી મુશળધાર વરસાદના કારણે વેરાવળના ભાલકા વિસ્તારમાં આવેલું જગવિખ્યાત કૃષ્ણ ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મંદિર આસપાસની અનેક સોસાયટીમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સોમનાથ ટોકીઝ, હુશેન રોડ બેટમાં ફેરવાઈ ગયો હતો. અહીં રોડ-રસ્તા, દુકાનો બધુ જ જળમગ્ન છે. વેરાવળના લીલાશાહનગર સોસાયટીમાં પણ ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતાં. આ સોસાયટીમાં અંદાજિત 100થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. અહીંના સ્થાનિકોનો આરોપ છે કે પાણીના નિકાલના અભાવે દર વર્ષે ચોમાસામાં આજ સ્થિતિ સર્જાઈ છે.
સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 57.10 ટકા તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 51.10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 40.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.09 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 23.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
NDRFની 10 ટીમો તૈનાત
અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે 16 જળાશયો ભરાયા છે.