કચ્છ: ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા હોવાની ચોંકવનારી વિગતો સામે આવી છે. ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો જેલમાં દારુની મહેફિલ માણતા ઝડપાયાં છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડાની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસે આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે જેલમાં દરોડો પાડ્યો હતો.
50 હજાર રૂપિયા રોકડા મળ્યા
પોલીસની આ રેડમાં દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા 50 હજાર રૂપિયા મળી આવ્યા છે. જેલમાં ચાલતી મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા થયા છે.
સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો
રાજ્યમાં નકલી દારુ, દારુ બનાવવાની ફેક્ટરી, દારુ અન્ય બોર્ડરમાંથી ગુજરાતમાં અંદર લાવવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ડુપ્લિકેટ દારુ બનાવાતો હોવાનું સામે આવ્યું હતું. 6 જૂલાઈના રોજ મોરબી જિલ્લાના માળિયાના નવા દેવગઢ ગામે રહેણાંક મકાનમાં સસ્તી ઈંગ્લીશ દારૂની બોટલમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારૂ બનાવી વેચાણ કરવાના કોભાંડનો પર્દાફાશ થયો હતો. મોરબી એલસીબી ટીમે બે શખ્સોને ઝડપી લઈને 2.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ અન્ય છ આરોપીઓના નામો ખુલતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મોરબી જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસે બાતમીને આધારે માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપ જીવણ સવસેટા અને જયરાજ જીવણ સવસેટા બંને ભાઈઓ ભેગા મળી પોતાના મકાનમાં સસ્તા ભાવના ઈંગ્લીશ દારૂમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં આરોપીના રહેણાંક મકાન ખાતેથી પોલીસે આરોપી જયદીપ સવસેટા અને જયરાજ સવસેટા રહે બંને નવા દેવગઢ વાળાને ઝડપી લીધા હતા. અન્ય આરોપીઓને લઈ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી હતી.
કુલ રૂપિયા 2,79,705 નો મુદામાલ જપ્ત કરાયો
જ્યાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 12 કીમત રૂપિયા 4500 અન્ય બ્રાંડની દારૂની બોટલ નંગ 04 કિંમત રુપિયા 7200, ડુપ્લીકેટ તૈયાર કરેલ ઈંગ્લીશ દારૂ પ્રવાહી લીટર 40 કિંમત રૂપિયા 2,25,000 તેમજ દારૂની ખાલી બોટલ નંગ 384 કિંમત રૂપિયા 7680 અન્ય બ્રાંડની દારૂની ખાલી બોટલ નંગ 780 કિંમત રૂપિયા 15,600 તેમજ બોટલ પર લગાડવાના અલગ-અલગ કંપનીના ઢાંકણા નંગ 1540 કિંમત રૂ 15,400 તેમજ બોટલ પર લગાડવાના સ્ટીકર નંગ 2200 તેમજ હેન્ડ મશીન નંગ 02 કિંમત રૂપિયા 1000 અને મોબાઈલ કિંમત રૂપિયા 2000 સહીત કુલ રૂપિયા 2,79,705 નો મુદામાલ કબજે લીધો હતો.