Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બીજા રાઉન્ડ શરૂઆત કરી દીધી છે, આજે ત્રીજી જુલાઇથી  રાજ્યમાં વધુ એક મોટા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે, હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, જેમાં આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઇ છે, આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સરેરાશ 7 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, આમાં સૌથી વધુ વરસાદ વડગામમાં 8.5 ઇંચ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. 

હવામાન વિભાગ અનુસાર આંકડાની વાત કરીએ તો, બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે સાબરકાંઠાના ત્રણ તાલુકામાં 2 ઈંચ વરસાદ સાથે હિંમતનગર, ખેડબ્રહ્મા, તલોદમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વડગામમાં પણ 2 ઈંચ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક વ્યાપી ગઇ છે. સાગબારા, પ્રાંતિજ, સાવલી, કલોલમાં 1 ઈંચ વરસાદ છે. તેમજ રાજ્યના અન્ય 45થી વધુ તાલુકામાં પણ વરસાદ આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. જેમાં પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ થયો છે. પાલનપુરમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. તથા ઘરવખરી અને સામાન પલળી જતા પારાવાર નુકસાન થયુ છે. ઘરમાં પાણી ઘુસતા વૃદ્ધો અને બાળકો પરેશાન થયા છે. જેમાં અવિરત વરસાદના કારણે જનજીવન ઠપ્પ થયુ છે. મહેસાણાના વિજાપુરમાં રાત્રે 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં વિજાપુરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વિજાપુરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. જેમાં વિજાપુર તાલુકામાં સર્વત્ર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે. પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તથા પાલનપુરના બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે પર પાણી ભરાયા છે. જેમાં ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં વરસાદ છે. ગઈકાલે વરસેલા વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે થઇ છે. તથા ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.