અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ચાર દિવસ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આણંદ અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.


તો આવતીકાલે નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુરૂવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.


તો શુક્રવારે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે


રાજકોટમાં ભાદર ડેમ ઓવરફ્લો


રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારનું જળ સંકટ થશે હળવું. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર -1 ડેમ ઓવરફલો થયો છે. આ સીઝનમાં સૌપ્રથમ વાર ડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશીનો માહોલ છે. હાલ ડેમમાં 27 હજાર ક્યૂસેક પાણીની આવક છે.જેની સામે ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલી 7 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ડેમમાંથી અંદાજીત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પડાય છે અને સીઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થતા રાજકોટ, જેતપુર, વીરપુર,સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ દૂર થશે. જો કે હાલ તો પાણી છોડવામાં આવતા જેતપુર,ગોંડલ,જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કરાયા છે અને લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના અપાઈ છે.


અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ


અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે થોડા સમય માટે ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. મહુવાથી ઉપડતી સુરત પેસેન્જર ટ્રેન દોઢ કલાકથી સાવરકુંડલા રેલવે સ્ટેશન પર સ્ટોપ કરવામાં આવી છે. લીલીયા નજીક પાણી ટ્રેક પર ભરાવવાના કારણે મહુવા સુરત ટ્રેન સાવરકુંડલામાં થંભાવી દીધી હતી.


પાણી ઉતર્યા બાદ ટ્રેન વવ્હાર ચાલુ કરાયો તો આ તરફ અમરેલી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જ્યા દોઢ કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. શહેરના સિનિયર સિટિઝન પાર્ક પાણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા. તો લાઠી ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો. શેખ પીપરીયા, હરસુરપુર, દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. શેખપીપરીયા ગામના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ચાર લોકો દુકાનમા અટવાઈ ગયા હતા. કે બાદમાં ડીઝાસ્ટરને જાણ કરતા રેસ્ક્યુ ટીમ સાથે લાઠી મામલતદારની ટીમ રવાના થઈ હતી. જો કે રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ રેસ્કયુ કરી ચારેય લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.