મહેસાણા: ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ શરૂ છે. વરસાદના કારણે મહેસાણા સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

હવામાન વિભાગના પ્રમાણે, 17 અને 18 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે. બપોરે ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે.

17 અને 18 જૂને સાબરકાંઠા, બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને કારણે ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં આવનારા 3 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બનાસકાંઠામાં ધીમીધારે છૂટો છવાયો વરસાદ શરૂ થયો. ડીસા-પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ શરૂ થયો. વરસાદ પડતાંની સાથે જ ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ સહિત વરસાદની શરૂઆત થઈ હતી.