રાજ્ય પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે રાજ્યના 12થી વધુ જિલ્લામાં સાત દિવસ ભારે વરસાદની ચેતવણી આપી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ઉપરાંત 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.
અરબ સાગરમાં સર્જાયેલુ લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફેરવાશે. મોડી સાંજ સુધીમાં લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવાની સૂચના આપવામાં આવી છે.
હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભેર વરસાદનું અનુમાન છે. સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડાને લઇને સરકાર સતર્ક
સંભવિત વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી પ્રશાસસને સતર્ક અને સજાગ રહેવા કહ્યું છે. સાથે જ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપી અને તકેદારીના ભાગરૂપે જરૂરી પગલા લેવા અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી તાકીદ કરી છે. તો આ તરફ સુરતમાં કંન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જે કન્ટ્રોલ રૂમથી તમામ જિલ્લા પર નજર રાખવામાં આવશે. સાથે જ વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથે સલામતી પગલા ભરવા સૂચના આપી શકાય તે માટે કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે.