અમદાવાદઃ દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેના કારણે 8મી ઓગસ્ટથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

10મી ઓગસ્ટે તો અમદાવાદ સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટુકડીઓ ડીપ્લોય કરાઈ છે તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

સુરત, ડાંગ, નવસારી, વલસાજ, તાપી, દમણમાં 9 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યના કુલ 41 તાલુકાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડયો હતો. જોકે, રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી કુલ 513.33 મીમી વરસાદ પડયો છે, જે સિઝનના સરેરાશ વરસાદનો 62.91 ટકા વરસાદ પડયો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. માત્ર ભરૂચ જિલ્લામાં સિઝનમાં સરેરાશ પડતા વરસાદની સરખામણીએ 109 ટકા વરસાદ પડી ચૂક્યો છે.