હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમા સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં 121.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 108.38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો દક્ષિણ ઝોનમાં 63.13 ટકા અને મધ્ય ગુજરાતમાં 58.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નોંધનીય છે કે, સૌથી ઓછો ઉત્તર ઝોનમાં 52.51 ટકા વરસાદ વરસ્યો છે.


મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 43 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે તો 82 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 16 ડેમ એલર્ટ પર છે.

સૌરાષ્ટ્રના 140 ડેમમાં 75.90 ટકા પાણીનો જથ્થો છે તો કચ્છના 20 ડેમમાં 40.89 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 27.65 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 40.49 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.74 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 52.64 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.

16 ઓગસ્ટ એટલે આજે દ્વારકા, પાટણ, બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ થશે. મહેસાણા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

17 ઓગસ્ટે બનાસકાંઠા, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે, મહેસાણા, પાટણ, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે.

18 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ તથા કચ્છમાં અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.