બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બનાસકાંઠાના અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  રાત્રિના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.   

કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામા

બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે.  ભર ઉનાળે અંબાજી પંથકમા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રે ધોધમાર વરસાદ વરસતા બજારોમા પાણી ફરી વળ્યા છે.  કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામા મૂકાયા છે.  વાવાઝોડા અને વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી છે.  

આગામી ત્રણ દિવસ કરાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, રાજકોટ , અમરેલી , ગીર સોમનાથ , દિવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ વરસશે. 

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે. 

26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે. રવિવારે સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં 26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.  દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ સુધીનો આફતનો વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  

કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો  અંદાજ છે.  પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.