ગાંધીનગરઃહાલ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 20 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જોકે રવિવારે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ગોંડલ, મોરબી, ખંભાળિયા, વલસાડ, જૂનાગઢ, વંથલી, માણાવદર, ઉપલેટા, વડોદરા, જેતપુર, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, બાબરા,  માળિયા અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ તુટી પડ્યો હતો.

રવિવારે ગુજરાતમાંકમોસમી વરસાદ ખાબક્યો હતો જેને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યાર બાદ વરસાદ તુટી પડ્યો હતો. જેમાં રાજકોટમાં 1 કલાકમાં 2 ઈંચ  જેટલો વરસાદ ખાબક્યો હતો તો ગોંડલમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 1.5 ઈંચ  વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જૂનાગઢ શહેર સહિત માણાવદર, કેશોદ, વંથલી, ભેસાણ, ટીંબાવાડી અને મેંદરડામાં ભારે વરસાદ ખાબક્યો હતો. વંથલી તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. દ્વારકાના ખંભાળિયા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાત્રાણા ગામે પણ ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોના પાકને નુકસાન થતાં ચિંતામાં મુકાઈ ગયા હતા. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે વાપી અને ભીલાડમાં પણ વરસાદ પડ્યો હતો.  આ ઉપરાંત સૌરાષ્ટ્રના જેતપૂર અને આસપાસના ગામોમાં પણ વરસાદ થયો હતો.

વડોદરા શહેરના મકરપુરા, માંજલપુર, જામ્બુવા, તરસાલી, દાંડિયા બજાર વિસ્તારમાં પણ વરસાદ થયો છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, શામળાજી અને ખેડા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખેડૂતો માટે આફતરૂપ વરસાદ ખાબક્યો હતો. હિંમતનગર માર્કેટયાર્ડની મગફળી પલળી ગઈ હતી જેના દ્રશ્યો સામે આવ્યા હતાં.

રવિવારે ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ તુટી પડ્યો હતો. જેને લઈને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાં ભાવનગર જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતાં. માર્કેટિંગ યાર્ડમાં રાખેલ મગફળીનો જથ્થો પલળી ગયો હતો. યાર્ડમાં ખુલ્લામાં પડેલી હજારો ગુણી મગફળી બગડી ગઈ છે. વેચાયા વિનાની મગફળી બગડી જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.



ધ્રોલ - 4 ઇંચ
ગોંડલ - 3.5 ઇંચ
અંબડાસા - 2 ઇંચ
જૂનાગઢ - 2 ઇંચ
રાજકોટ - 2 ઇંચ
વિજાપુર - 2 ઇંચ
નેત્રંગ - 2 ઇંચ
મહેસાણા - 2 ઇંચ
ટંકારા - 2 ઇંચ
ભાવનગર - 1 ઇંચ