જૂનાગઢ: જૂનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.
તાલાલા ગીરમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
વહેલી સવારથી જ વરસાદી માહોલ
જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. વરસાદના કારણે ગીરનારનો નજારો પણ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 38 એમએમ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે પાટણ વેરાવળમાં 31 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલીમાં 24 એમએમ જેટલો વરસાદ ખાબક્યો છે.
ગીરનારના જંગલમાં વરસાદ
જૂનાગઢના ગરવા ગીરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે આવતીકાલે પૂર્ણ થશે. જો કે મોટાભાગના યાત્રિકોએ આજે જ લીલી પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. ભાવિકો પરિક્રમા માર્ગના બોરદેવીથી ભવનાથ તરફ જતા જોવા મળ્યા હતા. આ તકે ભાવિકોએ વહેલી સવારે પડેલા જૂનાગઢ પંથક સહિત ગીરનારના જંગલમાં પડેલ વરસાદ અંગે પોતાના અભિપ્રાય આપ્યા હતા. દૂર દૂરથી પુણ્યનું ભાથું કમાવવા આવેલ ભાવિકોને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો હતો. આ તકે યાત્રિકોએ જણાવ્યું હતું કે વહેલી સવારે જંગલમાં વરસાદ વરસતા તે સમયે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે 36 કિલોમીટરની લીલી પરિક્રમા આવતી કાલે પૂર્ણ થશે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા ભાગના ભાવિકોએ નિર્ધારિત સમય પૂર્વે પરિક્રમાં પૂર્ણ કરી લીધી હતી.
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાય છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કપાસ, એરંડા, જીરું, ઘઉં અને તુવેર જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકશાન જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.