ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાય છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કપાસ, એરંડા, જીરું, ઘઉં અને તુવેર જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકશાન જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 


કમોસમી વરસાદ પડતા પાક નિષ્ફળ


કપાસના છોડ ઉપર આવેલા ફૂલ ખરી ગયા છે અથવા હવે તે ખરી જશે. કપાસમાં વરસાદી અને ભેજવાળા વાતાવરણના કારણે ગુલાબી ઈયળ આવવાની પૂરી શક્યતા છે. બીજી તરફ એરંડામાં પણ નવો પાક ખરી ગયો છે. એરંડામાં પણ ઘોડા ઈયળ આવશે. પરિણામે આ બંને પાક ફેલ જવાનું નક્કી છે. જે ખેડૂતોએ થોડા દિવસો પહેલા જીરું અને ઘઉંનું વાવેતર કર્યું હતું તેમને પછતાવાનો વારો આવ્યો છે. વાવેતર ઉપર ખેતરમાં પાણી ભરાયાં છે જેથી જીરું અને ઘઉંનું બિયારણ હવે બળી જશે. જીરુમાં વિઘે રૂ. 10 હજારનો ખર્ચ ખેડૂતોએ કર્યો હતો. કમોસમી વરસાદ પડતા પાક નિષ્ફળ ગયો છે. કપાસ અને એરંડામાં વિધે ઉતારો પણ હવે ઘટી જશે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદ બરબાદી સાબિત થયો છે.


ખેડૂતોના પાકને વ્યાપક પણે નુકસાની


સમગ્ર રાજયમાં પડેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પણે નુકસાની સહન કરવાનો વારો આવશે. કપાસ, એરંડા, જીરું, ઘઉં અને તુવેર જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકશાન જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 


રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે.  આણંદપર,કોઠારીયા, બાધી, નારણકા,ખંઢેરી,પીપળીયા, ડુંગરકા,બેડી,હડાળા સહિતના ગામોમાં ખેડૂતોને ભારે નુક્સાન થયું છે. એરંડા,કપાસ,તુવેર અને ચણાના પાકમાં ભારે નુક્સાન થયું છે.  કપાસ અને એરંડાના તૈયાર પાકમાં નુકશાન થયું છે.  ખેડૂતોને 3થી 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે.  


ગોંડલમાં ગાજવીજ સાથે કમૌસમી વરસાદ વરસતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ વેપારીઓની કપાસ,ડુંગળી,મરચા સહિતની જણસીઓ પલળી જતાં નુકસાન થયુ છે. જોકે કમોસમી વરસાદની આગાહીને કારણે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યાર્ડમાં ખેડૂતોને માલ નહી લઈને આવવાની સૂચના આપી હતી. યાર્ડ સત્તાધીશોએ આપેલ સૂચનાઓનું વેપારીઓ અણગણતા જણસીને ભારે નુકસાન થયું છે. યાર્ડમાં વેપારીઓના વ્યાપક પ્રમાણમાં મરચા પલળી ગયાના અહેવાલ છે.રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અલગ અલગ ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો. રામોદ બગદાડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  પણ કરા સાથે ધોધમાર વરસાદ પડતા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.