રાજકોટ: રાજ્યમાં આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ મળ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ચાર ઈંચ જ્યારે સુત્રાપાડામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભાવનગરમાં ધોધમાર વરસાદ બાદ ખારીગામ નદી વહી બે કાંઠે વહેતી થઈ હતી. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા નોળી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નોળી નદીમાં પુર આવતાં છ ગામો સંપર્ક વિહોણા થયા છે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં આજે સવારે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જેમાં જૂનાગઢના માંગરોળ, સુત્રાપાડા, વેરાવળ અને કોડીનારમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે. માંગરોળમાં 2 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 કલાકમા 4 ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ અને કોડીનારમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી સિઝનનો 43.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો 89.92 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 73.77 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.41 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો 28.23 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 29 ટકા વરસાદ નોંધાયો છે.

જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા નોળી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નોળી નદીમાં પુર આવતાં છ ગામો સંપર્ક વિહોણા થયા છે. નોળી નદીમાં પુરની સ્થિતિથી કામનાથ નજીકના કોઝ-વે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. સકરાણા, વિરપુર, લંબોરા, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે સ્થાનિક પ્રશાસને પણ તમામ ગામના સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરીને માહિતી મેળવી હતી.

ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવાના ખારી, ગલથર, બેલમપર, કંટાસર, મોણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી ખાદી નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું. ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં ત્રાપજ, અલંગ, મણાર, કઠવા, સોસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યું હતું. ધોધમાર વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. રાજુલાના નવા આગરીયા, ભંડારીયા, માંડરડી અને વાવેરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. પીપળવા, ખડાધારા, બોરાળા, ભાવરડી અને નાનુડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો.