મહેસાણા: મહેસાણા જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં વીસનગર, વિજાપુર અને ખેરાલુમાં ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ઊંઝામાં સવા બે ઈંચ, વડનગરમાં બે ઈંચ અને સતલાસણમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. વિસનગર APMCમાં મૂશળધાર વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા હતા. માર્કેટયાર્ડની બહાર આવેલા મુખ્ય રસ્તા અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. મુખ્ય રસ્તા ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વિસનગરનો કાંસા રોડ પણ જળમગ્ન થઈ ગયો છે. અહીં વરસાદી પાણીની સાથે ગટરના પાણી ફરી વળ્યા હતા. વિસનગર-ઊંઝા હાઈ વે પર તો એકથી બે ફૂટ સુધી પાણી ફરી વળ્યા છે. વરસાદને લઈને ઊંઝાનો રેલવે અંડરપાસ બંધ થયો છે. અંડરપાસમાં અંદાજે 30 ફૂટ સુધી પાણી ભરાતા, અંડરપાસનો રસ્તો દેખાવવાનો બંધ થઈ ગયો હતો. આસપાસના વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
બેચરાજીનો રેલવે અંડરપાસ પણ જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેમ બેચરાજી-હારીજ હાઈ વે પરના અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો માટે બંધ કરાયો છે. ઊંઝા APMC નજીકનો વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો હતો. કન્યા છાત્રાલય, રેલવે વિસ્તારમાં પાણી ભરાયા છે. ખેરાલુના માર્ગો પર નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો થયો હતો.
વિજાપુરથી ગાંધીનગર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વિજાપુરથી હિરપુરા ગામનો રસ્તો પણ બંધ કરાયો હતો. કેડસમા પાણી ભરાતા, વાહનચાલકો અટવાયા હતા. મૂશળધાર વરસાદને લઈ મહેસાણા જિલ્લાના ખેતરો તળાવમાં ફેરવાયા છે. ખેડૂતોના મતે આટલો વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતનો પાક બળી જવાની ભીતિ છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન વિભાગના મતે આજે મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.
12 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જુલાઈના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
Join Our Official Telegram Channel: