ગોધરા: પંચમહાલ જિલ્લામાં ચાર કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના યાત્રાધાન પાવાગઢમાં ભારે વરસાદના કારણે પગથિયા પરથી ધોધ વહી રહ્યો હતો. યાત્રાળુઓએ કેમેરામાં કેદ કરેલા વીડિયોમાં પગથિયા પર પુરપાટે વહેતું પાણી જોવા મળ્યું હતું. જોકે આ દરમિયાન સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી.

પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ઘોઘંબામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના શહેરામાં 13 મીમી વરસાદ વરસ્યો હતો જ્યારે કાલોલમાં 11 મીમી વરસાદ વરસ્યો હતો. હાલોલ પંથકમાં વહેલી સવારથી વરસેલા વરસાદના પગલે હાલોલના કંજરી રોડ પર આવેલી લકુલીશ સોસાયટીમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે વડોદરાને પીવાનું પાણી પુરૂ પાડતાં આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે. પાવાગઢના ડુંગર પર વરસાદ વરસતા આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તારમાં અને પ્રતાપ સરોવર વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. આ વરસાદના પગલે આજવા સરોવરમાં 200 મિ.મી પામીનો વધારો થયો છે. આજવામાં નવા નીર આવતા સરોવરની સપાટી 206.35 ફૂટ નોંધાઈ હતી.