રાજકોટ શહેરમાં આજે વરસેલા વરસાદે મહાનગરપાલિકાના પ્રિમોન્સૂન પ્લાનનો સત્યાનાશ કર્યો છે. રાજકોટ શહેરમાં 30 મિનિટમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. શહેરના સેંટ્રલ ઝોનમાં 1 ઈંચ, વેસ્ટ ઝોનમાં 1.5 ઈંચ, ઈસ્ટ ઝોનમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા.  રાજકોટના ટાગોર રોડ, હેમુ ગઢવી હોલ પાસે, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ભુતખાના ચોક, મવડી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


રાજકોટના મોટામોવામાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે.  મોટામોવામાં તાલુકા સ્કૂલ પાસે જ્યા ધોધમાર વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે.  લોકો જીવના જોખમે કોઝવે પરથી જઈ રહ્યા છે. આ વિસ્તારમાં દર ચોમાસે આ સ્થિતિ સર્જાય છે. તેમ છતા પ્રશાસન ધ્યાન આપતું નથી. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.


રાજકોટના જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં  પાણી ફરી વળ્યા છે. જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. વીરપુર, થોરાળા, મેવાસા, રબારીકા સહિતના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. 


આજે પડેલા વરસાદના કારણે ખેતરોમાં આગોતરી વાવણી કરનાર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ મરચી મગફળી કપાસ સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું છે એમાં પણ આ સમયે વરસાદની પાકને જરૂરિયાત હતી એ જ સમયે વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો છે. 


રાજ્યમાં  4 વાગ્યા સુધી 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખેડાના મહેમદાવાદમાં સૌથી વધુ 4.6 ઈંચ વરસાદ પડ્યો છે.  ખેડામાં 3.4 ઈંચ,  અમદાવાદના માંડલમાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો છે, ખેડાના માતરમાં 2.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 2 ઈંચ અને ખેડાના કઠલાલમાં  2 ઈંચ વરસાદ નોંધાયો છે. 


અમરેલીના વડિયા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારથી છૂટો છવાયો ઝરમર વરસાદ શરૂ હતો, પરંતુ બાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમરેલીના વડિયા, મોરવાડા, બરવાળા બાવળ, હનુમાન ખીજડિયા સહિતના ગામોમાં વરસાદ તૂટી પડ્યો હતો. 


વડિયા કુંકાવાવ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જેથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ છે.