અમરેલી: હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું હતું. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલામાં આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે. રાજુલામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  રાજુલા શહેરમાં રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 

રાજુલા પંથકમાં મીની વાવાઝોડું

અમરેલીના રાજુલા પંથકમાં મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.  65થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.  રાજુલા શહેર અને ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.  જાફરાબાદના નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે શાળાઓ ખોલવા રજૂઆત કરી છે. પ્રાંત અધિકારીને શાળાઓ ખોલવા માટે રજૂઆત કરવામાં આવી છે.  

રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક ગામડાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે. 

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  ભારે પવન સાથે વરસાદના કારણે અનેક  વૃક્ષ ધરાશાયી થયા છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાનો માર યથાવત છે.  અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાનવ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. 

અમરેલી, સાવરકુંડલા, લીલીયા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.  ખાંભા, રાજુલા સહિતના તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો છે. લીલીયા પંથકમાં વરસાદના પગલે નાવલી નદીમાં પાણી વહેતા થયા છે. સાવરકુંડલાના મોટા ભમોદરા, જાબાળ સહિતના વિસ્તારમાં માવઠું પડ્યું છે.  ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.  વીજપડી, મેરિયાણામાં પણ ગાજવીજ સાથે  વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલાના ભેકરા, નાની વડાલ, વીજપડી, બોરાલામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.  ખડાધાર,બોરાળા ગીદરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. 

અમરેલી શહેરમાં પણ વીજળીના કડાકા સાથે ઝાપટા પડ્યા છે.  કેરી, ડુંગળી, બાજરી સહિતના ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે.  રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.