ગીર સોમનાથ: ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડાના રંગપુરમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  મુશળધાર વરસાદના કારણે વાડી વિસ્તારના વોકળામાં પૂર આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે જુવારનો પાક ઢળી પડ્યો હતો.  વોકળામાં પૂર આવતા જ રોડ- રસ્તા પર પાણી ફરી વળ્યા અને રસ્તા બંધ થઈ ગયા હતા. 

Continues below advertisement

મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોની મૂરઝાતી મૌલાતને જીવનદાન મળ્યું છે.  મગફળી, સોયાબીન, બાજરી સહિતના પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જેને પાણીની જરૂરત હતી.  સમસયસર વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 

Continues below advertisement

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બીજા દિવસે પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તાલાલા શહેરમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. તાલાલા ઉપરાંત સેમાલિયા, પીખોર, ગુંદાળા, જમાલપરા સહિતના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે સેમળીયાથી પાણીકોઠા રોડ પર પાણી ફરી વળ્યા છે. 

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ધોધમાર વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી.