સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમા 103 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધુ વરસાદ જામનગરના જામજોધપુરમાં 2.5 ઈંચ નોંધાયો હતો. જ્યારે અમરેલીના ખાંભામાં 2.5 ઈંચ, સાવરકુંડલામાં 2.1 ઈંચ, રાજૂલામાં 2.04 ઈંચ અને સુરત શહેરમાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.


અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે ભાવનગરમાં ઉપરના માળનો કાટમાળ ધરાશાયી થતાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બગસરા-કુકાવાવ માર્ગ પર બાવળના ચાર ઝાડ પડતાં હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતાં.

જામકંડોરણા તાલુકના જામદાદર ગામે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. રાજુલા પંથકમાં સાંબેલાધાર વરસાદથી શહેરની ઘાણો નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગીર સોમનાથ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજકોટ ગ્રામ્યમાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજુલામાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ, ધારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજુલામાં સાબેલાધાર વરસાદ પડ્યો હતો. જેને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.