ગાંધીનગર: છેલ્લા બે દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ફરી એક વખત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 3 થી 5 સપ્ટેમ્બર ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. રાજસ્થાન સરહદ નજીકનાં વિસ્તારો અને સૈારાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજસ્થાનમાં સક્રિય થયેલી સિસ્ટમની અસરના કારણે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. રાજયમાં ઓગસ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ વરસતા સિઝનનો 95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.